પુરુષોત્તમ માસ ની કમલા એકાદશી વ્રત | Purushottam maas ni Kamla Ekadashi Vrat |
પુરુષોત્તમ માસ ની કમલા એકાદશી નું વ્રત
પુરુષોત્તમ માસની એકાદશી - કમલા એકાદશી
યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે.
હે કૃષ્ણ, પુરુષોત્તમ માસની એકાદશીનું નામ શું છે? તેનું વિધાન શું છે?
ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે.
મમ માસસ્ય યા પુણ્યા પ્રોક્તા નામ્રા ચ પદ્મિની |
સોપોષિતા પ્રયત્નેન પદ્મનાભપુરં નયેત ||
શ્રીકૃષ્ણે કહ્યું, મારા પુરુષોત્તમ માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની (કમલા) છે. તે દિવસે વિધિ-વિધાનથી વ્રત કરવાથી તે વ્યક્તિને વૈકુંઠધામમાં લઈ જાય છે.
આ એકાદશી પરમ પવિત્ર છે અને તમામ પાપોનો વિનાશ કરનારી છે. તેનું ફળ વર્ણવવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે.
આ પદ્મિની એકાદશીનું વ્રત પહેલા નારદજીને બ્રહ્માજીએ જણાવ્યું હતું. આ વ્રત તમામ પ્રકારના પાપોનો નાશ કરનારું અને ભોગ તથા મોક્ષ આપનારું છે.
|| વ્રતની વિધિ ||
દશમી:- આ એકાદશીનો પ્રારંભ દશમીથી જ થઈ જાય છે. દશમીના દિવસે મીઠા વગરનું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. ભૂમિ પર શયન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
એકાદશી:- એકાદશીએ પ્રાતઃકાળે ઉઠીને સ્નાન કરતી વખતે પાણીમાં આમળાનું ચૂર્ણ મિશ્રિત કરીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે આ પ્રાર્થના કરવી.
હે ભગવાન શ્રીકૃષ્ણ, વરાહ સ્વરૂપમાં આપને નમસ્કાર છે. આપ મારા અંગોને પવિત્ર કરો અને મને શ્રી હરિના પૂજનનો અધિકાર આપો.
આમળા મિશ્રિત જળ વિશે પ્રાર્થના કરવી.
હે બ્રહ્માજી, આપના મુખમાંથી ઉત્પન્ન થયેલ આ આમળા જે હું મારા શરીર પર લગાવી રહ્યો/રહી છું, તે મારી દેહને પવિત્ર કરે.
પૂજન:- ત્યારબાદ શ્વેત વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. રાધિકા સહિત પુરુષોત્તમ (શ્રીકૃષ્ણ) નું પૂજન કરવું અને પાર્વતી સહિત શંકરનું પૂજન કરવું (ષોડશોપચાર પૂજન કરવું).
નિયમ:- આ એકાદશી નિર્જળા કરવી, અર્થાત પાણી પીધા વિના. અથવા માત્ર જળ અને દૂધ પીને કરવી, પરંતુ અન્ન ગ્રહણ ન કરવું.
જાગરણ:- શક્ય હોય તો રાત્રિમાં જાગરણ કરવું. એકાદશીના દિવસે આખો સમય અથવા સમયાનુસાર વિષ્ણુ પુરાણ, ભાગવત મહાપુરાણ અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.
પ્રહર અનુસાર પૂજનનું ફળ
પ્રથમ પ્રહર:- ભગવાનને શ્રીફળ અર્પણ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે.
દ્વિતીય પ્રહર:- ભગવાનને શ્રીફળ-બિલ્વફળ અર્પણ કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
તૃતીય પ્રહર:- રાત્રિ જાગરણ કરવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.
ચતુર્થ પ્રહર:- રાજસૂય યજ્ઞનું ફળ મળે છે.
આ પ્રકારથી સંપૂર્ણ એકાદશી કરવાથી તમામ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરવા જેટલું ફળ મળે છે અને પૃથ્વી પરના તમામ તીર્થો, દેવ મંદિર કે ધામના દર્શન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
દ્વાદશી:- બીજા દિવસે દ્વાદશીએ નિત્ય કર્મ આદિ પતાવીને બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવું. આ વિધિથી એકાદશી કરનારને યોગ,
ભોગ અને મોક્ષ - બધું જ પ્રાપ્ત થાય છે.
કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધાન પણ આ રીતે જ કરવું જોઈએ. કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા છે.
|| અસ્તુ ||
Reviewed by Bijal Purohit
on
3:20 pm
Rating:

कोई टिप्पणी नहीं: